લીલીયા પંથકમાં ખેડૂતોને નિશાન બનાવી ચોરી કરવાની ઘટનાઓ વધી રહી છે. લીલીયાના ખારા ગામથી સનાળીયા રોડ પબર આવેલી વિવિધ વાડીઓ અને ખેતરોમાંથી અજાણ્યા તસ્કરોએ કૂવામાં ઉતારેલા વોટર પંપના કેબલ વાયરની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. ખારા ગામે વશરામભાઇ ડાયાભાઇ મકરૂબીયા (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, ખારા ગામથી સનાળીયા જતાં રસ્તા પર આવેલી ફરિયાદી અને સાહેદોની વાડીઓમાં ગત તા. ૨૨/૦૪/૨૦૨૬ ના રાત્રિના આઠ વાગ્યાથી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના સવારના દસ વાગ્યા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. ખેડૂતો જ્યારે પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્‌યું હતું. અજાણ્યા ચોર ઈસમોએ વાડીમાં આવેલા કૂવાઓમાં ઉતારેલા વોટર પંપ સાથે જોડેલો ૨.૫ એમ.એમ.નો કાળા કલરનો પટ્ટી કેબલ વાયર કોઈ સાધન વડે કાપી લીધો હતો. આશરે ૫૧૦ ફૂટ લાંબો વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૧૫,૩૦૦/- થાય છે, તે તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા.