ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ ૮૩.૮૬% નોંધાયું છે, જે ગયા વર્ષના ૮૩.૦૮% કરતા થોડું વધારે છે. બોર્ડે આપેલી વિગત મુજબ, આ વર્ષે વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતા ચઢિયાતું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે કુલ ૭,૫૬,૩૯૨ નિયમિત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬,૩૪,૩૨૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગ્રેડ મુજબ જોઈએ તો, ૩૫,૫૦૮ વિદ્યાર્થીઓ એ ‘એ૧’ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૯૦,૮૬૩ વિદ્યાર્થીઓએ એ ૨’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. નિયમિત વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૮.૨૮% રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૮૦.૧૨% નોંધાયું છે. ગુજરાતની દીકરીઓએ પરિણામમાં મેદાન માર્યું છે.
રાજ્યમાં કુલ ૧,૬૯૭ શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવ્યું છે. ૦% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈને ૩૯ થઈ છે. આ સાથે નર્મદા જિલ્લો ૯૦.૮૫% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું ૭૬.૪૨% રહ્યું છે. ગાંધીનગરના આજાલ કેન્દ્રનું સૌથી વધુ ૧૦૦% પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્રનું પરિણામ ૩૩.૭૪% એટલે સૌથી ઓછું આવ્યું છે.
આ ઉપરાંત, દિવ્યાંગ ઉમેદવારોએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. દિવ્યાંગ સામાન્ય રીતે ઉતીર્ણ પરીક્ષાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધીને ૧૯૫૮ થઈ છે. આ સાથે પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે ૨૩૩ જેટલા કેસ પણ નોંધવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.
રાજકોટ જિલ્લાએ ધોરણ-૧૦ના બોર્ડના પરિણામમાં ૮૮.૧૧ ટકા સાથે ઝળહળતી સફળતા મેળવી છે. આ ગૌરવવંતા પરિણામમાં શહેરની દીકરીઓએ મેદાન માર્યું છે, જેમાં દ્રષ્ટિ પદ્મણી અને દેવિકા પોપટ બંનેએ ૯૯.૯૯ પીઆર મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દ્રષ્ટિના પિતા ઝ્રદ્ગઝ્ર મશીન પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે દેવિકાના પિતા સેલ્સ એજન્સી ચલાવે છે. આ ઉપરાંત, દેવર્ષ મહેતા નામના વિદ્યાર્થીએ પણ ૯૯.૯૫ પીઆર મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે, જેના પિતા હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં આ વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ હોય તો કોઈપણ શિખર સર કરી શકાય છે.
વડોદરા શહેરમાં આજે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાની સાથે જ સમગ્ર શહેરભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે ખૂબ જ સારું પરિણામ મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જાવા મળી રહી છે. શહેરની વિવિધ શાળાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મીઠાઈ વહેંચીને અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના શિક્ષકો અને સંચાલકોએ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. પોતાની આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓએ વિનમ્રતાપૂર્વક સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો હતો. આમ, વડોદરામાં આજે ચારેતરફ વિજય અને હર્ષોલ્લાસનો વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-૧૦ના પરિણામોમાં કચ્છ જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ વર્ષે જિલ્લામાં કુલ ૨૧,૧૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૨૦,૮૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી ૧૭,૬૬૨ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. કચ્છ જિલ્લાનું કુલ પરિણામ ૮૪.૬૪% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ (૮૩.૮૬%) કરતા પણ વધુ છે. આમ, શૈક્ષણિક ક્ષેત્રે કચ્છ જિલ્લાએ પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. અમદાવાદમાં રહેતી રિદ્ધિએ ધોરણ ૧૦ની પરીક્ષામાં ૮૫% ગુણ મેળવ્યા હોવા છતાં, ધાર્યા મુજબનો છ૧ ગ્રેડ ન મળતા તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ આંસુ માત્ર નિષ્ફળતાના નહોતા, પણ પોતાના માતા-પિતાના સપના પૂરા કરવાની અદમ્ય ઈચ્છાના હતા. રિદ્ધિના પિતા એક સિક્્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા-પિતાને દિવસ-રાત કાળી મજૂરી કરતા જાઈને રિદ્ધિએ તેમને એક ‘લક્ઝુરિયસ’ જીવન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. રિદ્ધિ ભાવુક થતા જણાવે છે કે, “મારી માતાએ મારા અભ્યાસ માટે ખૂબ મહેનત કરી છે, હું ભણી-ગણીને તેમને દુનિયાના શ્રેષ્ઠ સ્થળોએ ફેરવવા માંગુ છું.” રિદ્ધિની આ સંવેદનશીલતા અને કંઈક કરી છૂટવાની તમન્ના આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.










































