રાજકોટ ગ્રામ્યમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાંથી હાથ-પગ દોરીથી બાંધેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે માત્ર ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી પતિ-પત્નીની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા રિક્ષાચાલકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ જતા રોડ પાસે આવેલ ફોરેસ્ટ વિસ્તારમાં ૯ મેના રોજ સવારે એક વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતકના હાથ અને પગ દોરીથી બાંધેલા હતા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કોટડા સાંગાણી પોલીસ સહિત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે નારણકા ગામની ચોકડી અને શાપર વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ સફેદ રંગની કાર ઘટનાસ્થળ તરફ જઈને પરત આવતી જાવા મળી હતી. કારના નંબરના આધારે પોલીસે તેના માલિક સુધી પહોંચતા આરોપી સુરેન્દ્રપ્રસાદની ઓળખ થઈ હતી. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સુરેન્દ્રપ્રસાદની પત્ની રીટા અને મૃતક વિજયદાસ દુધરેજીયા વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરેન્દ્રપ્રસાદને આ સંબંધની જાણ હોવા છતાં વિજયદાસ વારંવાર રીટાને મળતો અને મોબાઇલ પર સંપર્ક કરતો હતો. ઘટનાના એક દિવસ અગાઉ પણ રીટા અને વિજયદાસ વચ્ચે વાતચીત ચાલતી હોવાનું સામે આવતા પતિ-પત્નીએ મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. યોજના મુજબ રીટાએ વિજયદાસને રાત્રિના સમયે ઘરે બોલાવ્યો હતો. જ્યાં સુરેન્દ્રપ્રસાદે સ્ટીલના પાઇપ વડે હુમલો કરતા વિજયદાસ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ બંનેએ દોરી વડે તેના હાથ-પગ બાંધી કારની ડેકીમાં નાખી દીધો હતો. બાદમાં નારણકા ગામ નજીક લઈ જઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.

રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં વપરાયેલ સ્ટીલનો પાઇપ, કુહાડી તેમજ ફોર વ્હીલર કાર કબજે કરી છે. આરોપી પતિ-પત્નીને કોટડા સાંગાણી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિજયદાસ રિક્ષાચાલક હોવાનું અને પોતાના વૈવાહિક જીવનથી અલગ રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રેમ સંબંધ, શંકા અને રોષના કારણે એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.