બનાસકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ પુત્રથી કંટાળીને પિતાએ પોતાના ભાઈ સાથે મળીને ખેતરમાં પુત્રના માથામાં હથોડીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા બામણોજ ગામની જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક દિવ્યાંગ પુત્ર દ્વારા ગામના લોકો પર હુમલો કરવામાં આવતો હોવાથી કંટાળેલા પિતાએ પોતાના ભાઈ સાથે મળીને પુત્રની હત્યાને અંજામ આપ્યો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ દાંતા તાલુકાના બામણોજ ગામે વિજય પ્રજાપતિ નામના માનસિક દિવ્યાંગની તેના જ પિતા અને કાકાએ મળીને માથામાં હથોડીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી. માનસિક દિવ્યાંગ હોવાથી તે વારંવાર ગામના લોકો પર હુમલો કરતો હતો, અને તેને લઈને પરિવારના લોકો દ્વારા હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં પણ આવી હતી, પરંતુ વારંવાર હુમલાની ઘટનાઓ ચાલુ રહેતા પિતા પુત્રથી કંટાળી ગયા હતા. એટલું જ નહીં પોલીસની પૂછપરછમાં મૃતક વિજય પરિવારના લોકો ઉપર પણ હુમલો કર્યો હોવાનું પિતાએ પોલીસને જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિજય પરિવાર ઉપર પણ હુમલો કરતા આખરે કંટાળીને ભાઈ સાથે મળીને ખેતરમાં પુત્રની હથોડીના ગામ મારી હત્યા કરી નાખી છે. હત્યાની જાણ થતા હડાદ પોલીસે પોલીસે પિતા હરિભાઈ પ્રજાપતિ અને કાકા પંકજ પ્રજાપતિની હાલ ધરપકડ કરી નાખી છે.
માનસિક દિવ્યાંગ પુત્રની ખેતરમા પોતાના પિતા અને કાકાએ બેરહેમીથી હત્યા કરી નાખતા ખુદ માતાબેન પ્રજાપતિએ હડાદ પોલીસ મથકે પિતા અને કાકા સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદના આધારે હડાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે, અને સમગ્ર મામલામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલામાં ડીવાયએસપી વી.બી. બારડે માહિતી આપતા જણાવ્યું કે, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના બામણોજ ગામે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક વિજય માનસિક દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે, જે વારંવાર ગામ લોકો પર હુમલા કરતો હતો. જે દિવસે હત્યા કરાઈ તે દિવસે પણ પરિવાર ઉપર મૃતક વિજય હુમલો કર્યો હતો, જેથી કંટાળેલા પિતા અને કાકાએ ખેતરમાં તેના માથાના ભાગે હથોડીના ઘા મારી નિર્મમ હત્યા કરી છે. આ મામલામાં ખુદ મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા બંનેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








































