પૂર્વ કચ્છમાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મોટી સફળતા મેળવી છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોખાના કટ્ટાઓની આડમાં ગેરકાયદેસર રીતે લવાતો રૂ.૨૮.૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ટ્રેલર, સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.૧.૦૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળાની આગેવાની હેઠળ ટીમ ગાંધીધામ-ભચાઉ-સામખિયાળી નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે હરિયાણા નંબરનું એક ટ્રેલર ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈને સામખિયાળી તરફથી ભચાઉ તરફ આવી રહ્યું છે.
ટ્રેલરની આગળ-પાછળ કાળા રંગની સ્વિફ્ટ કાર ચાલતી હોવાની માહિતી પણ મળી હતી, જે પોલીસની હિલચાલ પર નજર રાખવાનું કામ કરતી હતી. મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબી ટીમે ભચાઉ-સામખિયાળી હાઈવે પર રંગલા પંજાબ હોટલ સામે વોચ ગોઠવી હતી. થોડીવારમાં બાતમી મુજબનું ટ્રેલર અને તેની સાથે સ્વિફ્ટ કાર આવી પહોંચતા પોલીસે બંને વાહનોને કોર્ડન કરી રોકી લીધા હતા. ટ્રેલરની તપાસ દરમિયાન ઉપરના ભાગે ચોખાના કટ્ટા ભરેલા જાવા મળ્યા હતા, પરંતુ નીચેના ભાગમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દારૂનો જથ્થો, ટ્રેલર, સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી કબ્જે લીધી હતી.
આ કેસમાં હરિયાણાના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજુ ઉર્ફે ડોલુ, ટીંડુ સતપાલ જાટ, મોનુ મહેન્દ્ર જાટ, અમન રાજેન્દ્ર જાટ અને સાહીલ સુશીલ જાટનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ હરિયાણાના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પ્રદીપ ઉર્ફે દીપુ, ધર્મેન્દ્ર હરભાણ ચૌધરી, મિતુ, કિશન તેમજ શક્તિસિંહ અને તેના સાથીદાર સહિતના કેટલાક આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓ અગાઉ પણ પ્રોહિબિશન તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. ફરાર આરોપી પ્રદીપ ઉર્ફે દીપુ સામે અગાઉ લાડડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ધર્મેન્દ્ર હરભાણ ચૌધરી સામે ગાંધીધામ અને અંજાર પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ૪૮૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી. સાથે જ ટ્રેલર, સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને ચોખાની બેગ સહિત કુલ રૂ.૧,૦૧,૭૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.