તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે નાગૌર દરગાહના પ્રતિનિધિઓને એક સરકારી આદેશ સોંપ્યો છે. આ આદેશ મુજબ, ૧૦ નવેમ્બરે ઉજવાનારા પ્રખ્યાત ‘પેરિયા અંદાવર કંદુરી’ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૫ કિલો ‘જાજાપોકલ-II’ ગ્રેડનું સરકારી ચંદન મફત પૂરું પાડવામાં આવશે. નાગપટ્ટિનમ જિલ્લાના નાગૌર ખાતે આવેલી આ દરગાહ ૧૬મી સદીના સુફી સંત નાગૌર સૈયદ અબ્દુલ કાદિર શાહુલ હમીદની મઝાર પર બનેલી છે.
આ વાર્ષિક ‘કંદુરી ઉત્સવ’ (ઉરસ મુબારક) ૧૪ દિવસ સુધી ચાલે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લાખો ભક્તો શ્રદ્ધાભેર ભાગ લે છે. માન્યતા અનુસાર, સુફી સંત શાહુલ હમીદે ૧૬મી સદીમાં તંજાવુરના હિન્દુ શાસક રાજા અચ્યુથપ્પા નાયકની શારીરિક પીડા પોતાના ચમત્કારથી દૂર કરી હતી. આ બાબતથી પ્રભાવિત થઈને રાજાએ દરગાહ માટે ૨૦૦ એકર જમીન દાનમાં આપી હતી. બાદમાં મરાઠા શાસક પ્રતાપ સિંહે માનતા પૂરી થતાં દરગાહનો સૌથી ઊંચો ૧૩૧ ફૂટનો ‘પેરિયા મનારા’ બંધાવ્યો હતો.
અહીંના કંદુરી ઉત્સવની ખાસિયત એ છે કે સંત બ્રહ્મચારી હોવાથી ભક્તો ચાદરના બદલે ‘સેહરા’ અર્પણ કરે છે અને ધાર્મિક વિધિઓમાં દક્ષિણ ભારતીય પરંપરાગત વાદ્ય ‘નાદસ્વરમ’નો ઉપયોગ કરવામાં આવે છે.




































