અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એમડી (મેફેડ્રોન) ડ્રગ્સના કથિત વેચાણના કેસમાં પોલીસે ૫૩ વર્ષીય શખસની ધરપકડ કરી છે. આંબાવાડી ચાર રસ્તા નજીક આવેલી દિલ્હી સ્પેશિયલ બિરિયાનીની દુકાન પાછળની ઓરડીમાં તપાસ દરમિયાન પોલીસને ૩.૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ૨૫,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ ડ્રગ્સનો જથ્થો રાખીને તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે મોહમદ જાવેદ નસીમ હૈદર ઉર્ફે ખન્ના સૈયદનું નામ સામે આવ્યું હતું.
આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો વતની છે. હાલ તે રખિયાલમાં નવજીવન હોટલ નજીક આવેલી નૂરનગરની ગલીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બાતમીના આધારે પોલીસે દિલ્હી સ્પેશિયલ બિરિયાનીની દુકાન પાછળ આવેલી ઓરડીમાં દરોડો પાડીને શખસને ઝડપી લીધો હતો.
આરોપીની તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાંથી ઝીપલોક બેગમાં રાખેલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયું હતું. ડિજિટલ કાંટા પર તેનું વજન કરતાં ૩.૩૬ ગ્રામ નોંધાયું હતું.આ કાર્યવાહી દરમિયાન પોલીસે ડ્રગ્સ અને અન્ય સામગ્રી સહિત કુલ ૨૫,૦૮૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ ‘શેરૂ’ નામના શખસ પાસેથી ડ્રગ્સ મેળવ્યું હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી રખિયાલની અજીત રેસિડેન્સીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.આરોપી ચાની કીટલીએ આવતા ગ્રાહકો અને યુવાનોને ડ્રગ્સ વેચતો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. હાલ રખિયાલ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર ‘શેરૂ’ને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે.