સાવરકુંડલા રેન્જ હેઠળના ભેંકરા ગામે એક ભાવુક અને સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્‌યું હતું. ભેંકરા ગામની સીમમાં આવેલી હકાભાઈ જીંજાળાની વાડીના ખુલ્લા કૂવામાં આશરે એક વર્ષની સિંહણ અચાનક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા રાઉન્ડની વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. વનકર્મીઓએ ભારે તકેદારી અને ચોકસાઈપૂર્વક કામગીરી હાથ ધરીને બાળ સિંહણને કૂવામાંથી સહી-સલામત અને બિનઈજાગ્રસ્ત બહાર કાઢી હતી. રેસ્ક્યુ બાદ તબીબી તપાસ કરીને માદા સિંહણને તેના મૂળ ગ્રુપ (પરિવાર) સાથે સફળતાપૂર્વક મિલાપ કરાવાયો હતો. વન વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીથી અબુધ વન્યજીવનો જીવ બચી જતાં વાડી માલિક અને સ્થાનિક ગ્રામજનોએ ટીમના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.