રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે તેઓ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે ત્રીજા દેશમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મળવા માટે તૈયાર છે. આ પહેલીવાર છે જ્યારે પુતિને રશિયાની બહાર મુલાકાતની શક્યતા વ્યક્ત કરી છે. વિજય દિવસ પરેડ પછી મીડિયા સાથે વાત કરતા, પુતિને સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય તેમના યુક્રેનિયન સમકક્ષ સાથે વાતચીતનો ઇનકાર કર્યો નથી.
પુતિને આ બેઠક માટે એક મહત્વપૂર્ણ શરત પણ મૂકી. તેમણે કહ્યું કે ત્રીજા દેશમાં બેઠક ફક્ત ત્યારે જ થઈ શકે છે જા બંને દેશો વચ્ચે સંપૂર્ણ અને લાંબા ગાળાનો શાંતિ કરાર થાય. પુતિનના મતે, આ બેઠક ફક્ત કરાર પર હસ્તાક્ષર કરવા માટે હશે, વાટાઘાટો માટે નહીં. તેમણે ઉમેર્યું કે જા યુક્રેનિયન પક્ષ મળવા માંગે છે, તો તેઓ મોસ્કો આવી શકે છે. પુતિને સ્પષ્ટતા કરી કે આ બેઠક કોઈપણ કરારનું અંતિમ પગલું હોવું જાઈએ, વાટાઘાટોની શરૂઆત નહીં.
રશિયન રાષ્ટ્રતિએ ભાર મૂક્યો કે પ્રારંભિક વાતચીત નિષ્ણાતો દ્વારા થવી જાઈએ. જૂના મિન્સ્ક કરારોનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે આવી ચર્ચાઓ ઘણીવાર કલાકો સુધી ચાલે છે પરંતુ કોઈ પરિણામ આપતી નથી. મિન્સ્ક કરારો ૨૦૧૪ અને ૨૦૧૫ માં બેલારુસમાં થયા હતા. તેનો હેતુ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં હિંસા રોકવાનો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા. પુતિન ઇચ્છે છે કે નિષ્ણાતો આ વખતે બધું અગાઉથી સ્પષ્ટ કરે, જેથી રાષ્ટ્રતિ ફક્ત સમારોહ અથવા હસ્તાક્ષર માટે જ મળી શકે.
આ યુદ્ધ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયું હતું અને હવે તેના પાંચમા વર્ષમાં છે. અગાઉ, સપ્ટેમ્બર ૨૦૨૫ માં, પુતિને ચીનની મુલાકાત પછી ઝેલેન્સકી સાથે મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે આ બેઠક મોસ્કોમાં થઈ શકે છે, જા તે યુક્રેનના બંધારણીય માળખામાં હોય અને નક્કર પરિણામો આપે. હવે, રશિયાની બહાર મળવાનું પુતિનનું સૂચન શાંતિ તરફનો નવો માર્ગ ખોલી શકે છે.