રાજુલા તાલુકાના નીંગાળા-૧ ગામે જૂની અદાવત રાખી એક શખ્સે ખેડૂતને ગાળો આપી પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે વિજયભાઇ રામભાઇ લાખણોત્રા (ઉ.વ.૩૨) એ રમેશભાઇ લાભુભાઇ લાખણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, થોડા દિવસો પહેલા ગામના બસ સ્ટેશન પાસે કાર અથડાવવા બાબતે આરોપી અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અકસ્માતનું મનદુઃખ રાખીને ગત રોજ તેઓ આરોપીના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ તેમને રસ્તામાં રોકીને બેફામ ગાળો આપી હતી. ઉપરાંત તેના હાથમાં રહેલ પથ્થર તેમના માથામાં મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.વી. ગોહિલ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.









































