ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. જલાલપુર વિસ્તારમાં અશરફપુર ભુવા ભઠ્ઠા પાસે એક ઝડપી અને અનિયંત્રિત કારે રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં કુલ આઠ લોકોના દુઃખદ મોત થયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે ૧૨ વાગ્યા પહેલા બે બાઇક વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. બંને બાઇક સવારોને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત જાઈને, નજીકના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ કરવાનો અને તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અચાનક, એક ઝડપી ગતિએ આવતી સ્વિફ્ટ ડિઝાયર કારે કાબુ ગુમાવ્યો અને રસ્તા પર ઉભેલા લોકો પર ચડી ગઈ. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ.
સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ અને ગ્રામજનોની મદદથી, બધા ઘાયલોને જલાલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમાંથી છને મૃત જાહેર કર્યા. ગંભીર રીતે ઘાયલ બે અન્ય લોકોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ટાંડા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું, જેના કારણે મૃત્યુઆંક આઠ થયો.
મૃતકોની ઓળખ કૈફી (૩૨), ઉત્તમ કુમાર (૨૪), આદિત્ય કુમાર (૨૫), લાલચંદ (૨૪), રાજુ ગુપ્તા (૩૨) અને છોટુ તરીકે થઈ છે, જ્યારે અન્ય બેની હજુ સુધી ઓળખ થઈ નથી. અધિક પોલીસ અધિક્ષક (પૂર્વ), ડા. તેજવીર સિંહે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપી ડ્રાઇવરની શોધ ચાલુ છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.