લાઠી તાલુકાના કાંચરડી ગામે રહેતા એક વેપારીને છેતરપિંડીના કેસમાં સાક્ષી તરીકે જુબાની ન આપવા માટે દબાણ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે ઉમેદભાઇ ઇબ્રાહિમભાઇ મુલતાનીએ અંકલેશ્વરમાં રહેતા ફિરોજભાઇ દિલાવરભાઇ મુલતાની તથા બરવાળમાં રહેતા અમજદભાઇ ઉર્ફે મુનાભાઇ ઘોડાવાળા અબ્દુલભાઇ મુલતાની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, આરોપીઓએ કરેલી છેતરપિંડીની રાજકોટ ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં વેપારી સાક્ષી હતા. આ બાબતનું મનદુઃખ રાખીને બે શખ્સોએ વેપારીને નિશાન બનાવ્યા હતા. બંને આરોપીઓએ તેમને આંતરીને રાજકોટ વાળા કેસમાં કોર્ટમાં સાક્ષી તરીકે જુબાની નહીં આપવા માટે દબાણ કર્યું હતું. તેમણે મચક ન આપતા આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલી ખરાબ ગાળો આપી હતી. આ દરમિયાન ફિરોજભાઈ મુલતાની દ્વારા વેપારીને ગંભીર પરિણામ ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.