વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ મેના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન અને તેમના જામનગર ખાતે રાત્રી રોકાણને લઇને હાલ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શહેરના માર્ગોથી લઇને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ બાબતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીના આગમનથી લઈને તેમના રોકાણ સુધીના નિર્ધારિત રૂટ પર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગોની કાયાપલટ કરવામાં આવી રહી છે.

જે માર્ગો પર ખાડા-ખાબોચિયા હતા, ત્યાં તાત્કાલિક ડામર પાથરીને પેચવર્ક અને નવા રોડ બનાવવામાં આવ્યા છે. રૂટ પર આવતા તમામ પ્રકારના જાહેરાતના હો‹ડગ્સ, બોર્ડ અને અન્ય દબાણોને હટાવી દેવામાં આવ્યા છે, જેથી સમગ્ર માર્ગ ખુલ્લો અને ભવ્ય દેખાય.માર્ગોની બંને તરફની રેલિંગનું રિપેરિંગ અને કલર કામ પૂર્ણતાના આરે છે. આશ્ચર્યજનક રીતે, રૂટ પરના સ્પીડબ્રેકરોને પણ હટાવી દેવાયા છે જેથી વડાપ્રધાનનો કાફલો અવરોધ વિના પસાર થઈ શકે.

વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યું છે. જામનગર સહિત આસપાસના ૫ જિલ્લાઓના પોલીસ વડાઓ હાલ જામનગરમાં પડાવ નાખીને બેઠા છે.

રેન્જ આઈ.જી. દ્વારા વડાપ્રધાનના સંભવિત રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. લાલ બંગલો વિસ્તારથી લઈને સમગ્ર રૂટ પર પોલીસ દળ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સુરક્ષાની સજ્જતા ચકાસવાનો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં જ રાત્રી રોકાણ કરવાના છે. આ માટે નિયત કરવામાં આવેલા સ્થળની આસપાસ સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સતત સંકલન સાધીને કામ કરી રહી છે.

વડાપ્રધાનના આગમનને પગલે જામનગરવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય સર્કલોને રોશનીથી શણગારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તંત્ર દ્વારા માર્ગોની બંને બાજુ મજબૂત બેરીકેડ્‌સ ફિટ કરી દેવામાં આવ્યા છે જેથી જનમેદનીને નિયંત્રિત કરી શકાય. જામનગર અત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.