શહેરમાં વધુ એકવાર વિશ્વાસઘાત અને આર્થિક ગુનાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીએ જ પેઢીનો વિશ્વાસ તોડી ૮૦.૫૬ લાખની કિંમતના કિંમતી દાગીનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, કાલુપુર સ્થિત આંગડિયા પેઢીમાં જીગરસિંહ વિહોલ નામનો કર્મચારી ફરજ બજાવતો હતો. પેઢીના માલિકે તેને લાખોની કિંમતના દાગીના ભરેલા પાર્સલની ડિલિવરી માટે ભુજ મોકલ્યો હતો. આ માટે તેને પાલડીથી સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં બેસાડવામાં આવ્યો હતો. જોકે, આ મુસાફરી દરમિયાન જ જીગરસિંહે દાગીના પચાવી પાડવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો.
જ્યારે બસ ભુજ પહોંચી, ત્યારે ત્યાંના જ્યુબિલી સર્કલ પાસેથી જીગરસિંહ ભેદી સંજાગોમાં ગુમ થઈ ગયો હતો. લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તેનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવતા પેઢીના માલિકને શંકા ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, કર્મચારી ૮૦.૫૬ લાખના દાગીના સાથે રફુચક્કર થઈ ગયો છે. અંતે, વેપારી પેઢી દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે જીગરસિંહના વતન અને સંભવિત ઠેકાણાઓ પર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










































