શહેરમાં એક કરૂણાંતિકા સર્જાઈ છે. આજે (૧૪મી મે) શહેરના શહેરાભાગોળ વિસ્તારના ચીઠીયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. ગોધરાના ચિઠીયાવાડ વિસ્તારમાં આવેલા જૂના મકાનને તોડવાનું કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમના ચાર વર્ષના પુત્ર કિશન જાલૈયાનું દીવાલ પડતા મોત થયું છે. આજે સવારે શહેરાભાગોળ વિસ્તારના ચીઠીયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થઈ હતી. જેને તોડતી વખતે આ ગંભીર દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પિતા પુત્રને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી આ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. પિતા પુત્રના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના ભાઈ, સંજયભાઈએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સંજયભાઈ જણાવ્યુ છે કે, મારો ભાઈ ત્યાં મજૂરી ચોકીદારી કરતો હતો. કોન્ટ્રાક્ટરે આઠ વાગ્યા પહેલા એટલે કામ ચાલુ ના થાય તે પહેલા જ ડ્રીલ મશીન લઈને તોડવા મોકલ્યો હતો. અમને આઠ વાગ્યા પહેલા ફોન આવ્યો કે, ત્યાં દીવાલ પડી છે અને બાપ બેટા બંન્નેનું મોત થઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને કારણે જ મારા ભાઈ અને ભત્રીજાનું મોત થઈ ગયું છે. મારો ભાઈ તો ત્યાં ચોકીદાર હતો તેણે ના કહ્યુ હતુ કે, હું દીવાલ નથી તોડતો. તો પણ કોન્ટ્રાક્ટરે સમય શરૂ થાય તે પહેલા જ તેને દીવાલ તોડવા મોકલ્યો હતો.










































