લાઠી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામે પોતાની ફરજ બજાવી રહેલા એક સરકારી અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગામમાં થયેલા વિકાસકામોમાં ક્ષતિ હોવાનું જણાવી તેમાં સુધારો કરવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ અધિક મદદનીશ ઇજનેર પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.આ અંગે અધિક મદદનીશ ઇજનેર તુષારભાઇ અશોકભાઇ કેસરીયા (ઉ.વ. ૩૦) એ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ અધિક મદદનીશ ઇજનેર તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને તટસ્થ રીતે બજાવી રહ્યા હતા. દેવભૂમિ દેવળીયા ગામે થયેલા સરકારી કામોના નિરીક્ષણ દરમિયાન તેમને કામમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.આથી ઇજનેરે નિયમ મુજબ આ કામમાં સુધારો કરવા માટે આરોપીઓને સૂચના આપી હતી. પોતાના કામમાં ભૂલ કાઢવામાં આવતા આરોપીઓએ તેનું મનદુઃખ રાખ્યું હતું અને એકસંપ થઈ ઇજનેર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા વડે ઇજનેરને મુંઢ માર માર્યો હતો. આ હુમલામાં ઇજનેરને ડાબા હાથની હથેળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેમને પાંચ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હુમલાખોરોએ માત્ર શારીરિક હુમલો જ નહીં, પરંતુ ફરજ પરના અધિકારીને જાહેરમાં બીભત્સ ગાળો આપી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.










































