જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે નજીવી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને એક શખ્સે કુહાડા અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો.લાલજીભાઇ કેસુભાઇ કવાડે હાથીભાઇ બચુભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, લોઠપુર ગામે જ્યારે તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે આરોપી તેમના ઘર પાસે મોટેથી ગાળો બોલી રહ્યો હતો. તેમણે ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને જ્યારે લાલજીભાઇ પોતાનું મોટરસાઇકલ લઈને નીકળ્યા ત્યારે આરોપીએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીએ તેમને રોકીને ‘ગાળો બોલવાની ના કેમ પાડી?’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી કુહાડાના ધારદાર ફળા વડે માથાના જમણી બાજુના ભાગે ઘા ઝીંકી દીધો હતો.આરોપીએ બીજો ઘા મારવા જતાં લાલજીભાઇએ પોતાનો ડાબો હાથ આડો ધરતા કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ તેઓ જ્યારે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજુલા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ ફરી એકવાર રસ્તો રોકી હુમલો કર્યો હતો. આ વખતે આરોપીએ માથાના ડાબી બાજુના ભાગે કુહાડાનો ઘા મારી તેમને નીચે પછાડી દીધા હતા અને હાથમાં રહેલા ધારીયા વડે ખભાના ભાગે ઘા માર્યો હતો.










































