અમરેલી જિલ્લામાં અપમૃત્યુની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. લાઠી તાલુકાના ચાવંડ ગામે રહેતા એક યુવાને આર્થિક ભીંસ અને બેરોજગારીથી કંટાળીને અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ભુપતભાઇ લખમણભાઇ ડેરએ જાહેર કર્યા મુજબ, હરેશભાઇ ગોવિંદભાઇ ડેર હજુ અપરિણીત હતો અને તેના આખા ઘરમાં તે પોતે એકમાત્ર કમાનાર સભ્ય હતો. તેના માથે ઘરની તમામ જવાબદારીઓ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી તેને કોઈ કામકાજ મળી રહ્યું ન હતું. જેના કારણે લાંબા સમયથી માનસિક રીતે પરેશાન હતો. આર્થિક તંગી અને બેરોજગારીની વાત તેને મનમાં લાગી આવતા, જીવનથી કંટાળીને તેણે અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. ઝેરી અસર થવાને કારણે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ચાવંડ ગામમાં અને મૃતકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. બીજા બનાવમાં રાજુલામાં રહેતા હર્ષ ચંન્દ્રકાંતભાઇ ડાભીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોતને ભેટ્યા હતા. અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોટા માચિયાળા ગામે રહેતા જગદીશભાઇ વશરામભાઇ ચાવડાએ જાહેર કર્યા મુજબ, વશરામભાઇ ગોરાભાઇ ચાવડાને શરીરમાં નબળાઇ રહેતી હતી. તેમજ કોઇ કામ ધંધો કરી શકતા નહોતા. જેથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.










































