રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ ૧૦૦ બેડની નિઃશુલ્ક હોસ્પિટલ થકી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બુધવારના રોજ હોસ્પિટલનો શુભારંભ થયો હતો.આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં
ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ હાસ્પિટલના આઈ.સી.યુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સેવાઓ રાજુલા પંથકમાં શરૂ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી અને સ્થાપક સભ્ય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને અભિનંદન આપતા સર્વે ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુની પ્રરેણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ, સ્વ.અનિલકુમાર નંદલાલ મહેતા પરિવાર દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.
આ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓ.પી.ડી. અને ડાયાલીસીસ જેવા વિભાગોમાં પ્રતિદિન દરરોજ ૧૦૦ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવતી હતી, જેના થકી આ યોજનાનો પાયો નંખાયો હતો.વર્ષ ૨૦૧૯માં ૦૩, ઓક્ટોબરના રોજ આ હાસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હાસ્પિટલની સંપૂર્ણ સેવાઓ આગામી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે ઓ.પી.ડી સહિતની કેટલીક સેવાઓ ગુરૂવારથી શરૂ થશે. હાસ્પિટલમાં લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને ભોજનાલય જેવી સેવાઓ પણ આપવામાં આવશે.દાતાઓના સહયોગથી નિર્મિત આ હાસ્પિટલ માનવસેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતિક બની રહેશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ આ સેવા કાર્યથી આ વિસ્તારના હજારો પરિવારોને સીધો લાભ મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું સંસ્થાના ટ્રસ્ટીઓ અંબરીશભાઈ ડેર,અજયભાઈ મહેતા, માયાભાઈ આહીર અને દાતાઓ સહિત રાજુલાના રહેવાસીઓએ હોસ્પિટલના પ્રાંગણમાં અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજુલા જાફરાબાદ મતવિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા લીલીયા મતવિસ્તાર ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, એ.એસ.પી. જયવીર ગઢવી, સ્થાનિક અગ્રણીઓ, તબીબો તેમજ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા સહિતના ગામો માટે આ હોસ્પિટલલ આર્શીવાદરૂપ સાબિત થશે. આ હોસ્પિટલ કાર્યરત થવાથી રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ગંભીર બીમારીઓની સારવાર માટે હવે અન્ય શહેરોમાં જવાની હાલાકી ભોગવવી નહીં પડે. સ્થાનિક સ્તરે જ સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર નિઃશુલ્ક મળવાથી હજારો મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક તેમજ માનસિક મોટો લાભ થશે, જે માનવસેવાના ઉત્તમ સંકલ્પનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે.

હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ મળી રહેશે

આધુનિક યુગમાં સ્વાસ્થ્ય સેવાઓનું મહત્વ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આ અત્યાધુનિક હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ અને મેડિકલ લેબોરેટરી જેવી પાયાની અને અનિવાર્ય સુવિધાઓ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર પ્રાથમિક સારવાર જ નહીં પરંતુ જટિલ રોગોના નિદાન માટે ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને જનરલ સર્જરી જેવી મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. વિશેષ કરીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને ગાયનેક મેડિસિન, ગાયનેકોલોજી અને બાળરોગ વિભાગને નિષ્ણાત તબીબો દ્વારા કાર્યરત કરાયા છે. એનેસ્થેસિયા જેવી ગંભીર સેવાઓ પણ અહીં ઉપલબ્ધ છે. તદુપરાંત દૂરથી આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકી ન પડે તે હેતુથી હોસ્પિટલ પરિસરમાં જ પૌષ્ટિક ભોજનાલયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે

પીએમ મોદીની અપીલથી સીએમ પટેલ બે કાર સાથે રાજુલા પહોંચ્યા

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજુલાના પ્રવાસ દરમિયાન પોતાની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સભાનતાથી સૌને પ્રભાવિત કર્યા છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ દસથી વધુ વાહનોનો મોટો કાફલો સાથે રહેતો હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલને માન આપીને તેમણે માત્ર બે જ કાર સાથે મુસાફરી કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સાહસિક પહેલ દ્વારા તેમણે બિનજરૂરી ઈંધણનો વ્યય અટકાવવા અને સરકારી વહીવટી ખર્ચમાં ઘટાડો કરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. શાસક પોતે જ્યારે શિસ્તનું પાલન કરે ત્યારે તે સમગ્ર વહીવટી તંત્ર અને સામાન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બની જતું હોય છે.