સાવરકુંડલા તાલુકાના નાનાઝીંઝુડા ગામના પાદરે આદ્યશક્તિ મોમાઈ માતાજીના ૨૪ કલાકના ભવ્ય નવરંગા માંડવાનો શ્રધ્ધાપૂર્વક મંગલ પ્રારંભ થયો છે. આપણી ભવ્ય લોક-સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ દિવ્ય પ્રસંગે ગાયોનું ગોંદરું ભક્તિના રંગે રંગાયું છે. આ મહોત્સવનું આયોજન પરમ પૂજ્ય મસાપીર બાપુના દિવ્ય સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત વાજતે-ગાજતે અને ઢોલ-નગારાના ગુંજારવ સાથે ભવ્ય સામૈયા દ્વારા કરવામાં આવી હતી. ડાક અને ડમરુના પરંપરાગત નાદ સાથે ગુંજતા વાતાવરણમાં અનેક સાધુ-સંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી છે. આ અખંડ માંડવામાં થાંભલી રોપણ, મહાપ્રસાદ અને આરતી જેવા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનોનું સુંદર આયોજન કરાયું છે. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા માઈભક્તો માતાજીના આશીર્વાદ અને મસાપીર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.