લાઠી તાલુકાના દેવળીયા ગામે મોબાઈલ રિપેરિંગના બાકી નાણાંની સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના સભ્યો પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. હામનાથ મહાદેવના મંદિર પાસે ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી ટોળકીએ પિતા-પુત્રને પાઇપ અને ધારીયા વડે ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે વિપુલભાઇ કડવાભાઇ ચોસલા (ઉ.વ. ૨૭) એ જગદીશભાઇ જાદવભાઇ હાડગરડા, નાનજીભાઇ પાતાભાઇ હાડગરડા, લાલાભાઇ પાતાભાઇ હાડગરડા, થોભણભાઇ વાલાભાઇ હાડગરડા, ભોપાભાઇ હમીરભાઇ હાડગરડા તથા કાબાભાઇ જાદવભાઇ હાડગરડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત મોબાઈલની દુકાને ફોનનો કોમ્બો નંખાવવા બાબતે થઈ હતી. વિપુલભાઈના કાકાના દીકરાએ આરોપીની દુકાને મોબાઈલ રિપેર કરાવ્યો હતો, જેના કુલ રૂ.૧૧૦૦ થતા હતા. તેમાંથી રૂ.૬૦૦ ચૂકવી દેવાયા હતા અને બાકીના રૂ.૫૦૦ પછી આપવાની વાત કરી હતી.આ નજીવી રકમની ઉઘરાણી મુદ્દે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ફોન પર તથા રૂબરૂમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનદુઃખ રાખીને, જ્યારે તેઓ હામનાથ મહાદેવના મંદિરે જઈ રહ્યા હતા, ત્યારે છ શખ્સોની ટોળકીએ ગેરકાયદે મંડળી રચી તેમને રસ્તામાં આંતર્યા હતા. લોખંડના પાઇપ, ધારીયું અને લાકડીઓ જેવા હથિયારો સાથે સજ્જ આરોપીઓએ હુમલો શરૂ કર્યો હતો. એક આરોપીએ વિપુલભાઈના માથામાં લોખંડના પાઇપનો ફટકો મારતા તેમને માથામાં ૬ ટાંકા આવ્યા હતા. બીજા આરોપીએ ધારીયાનો ઘા ઝીંકતા ડાબા હાથે ફ્રેક્ચર અને ૪ ટાંકા આવ્યા હતા. અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો.પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા પર પણ આરોપીઓ તૂટી પડ્યા હતા. તેમના માથામાં પાઇપનો ફટકો મારી આઠ ટાંકા અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જાહેર રસ્તા પર આતંક મચાવી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.










































