કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દારૂના કેસ અંગે રામોલ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સંખેડા પોલીસ સ્ટેશનમાં આશિષ જોશી સામે ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો. જેને લઈને હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ધરપકડ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.

વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર આશિષ જોશીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદથી આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો ચૂંટણી પહેલા પકડાયેલા દારૂના જથ્થા સાથે જોડાયેલો છે. પોલીસ વિભાગે આ ગંભીર ગુનામાં લાંબા સમયથી તપાસ ચલાવી હતી. અંતે પુરાવા મળતા જ અમદાવાદની રામોલ પોલીસે તેમને ઝડપી પાડ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી રસાકસીભર્યો જંગ મનાતા વોર્ડ નંબર ૧૫માં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર આશીષ જોષી વિરુદ્ધમાં દારૂ મંગાવ્યો હોવાની છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. કવાંટ બાજુથી નંબર પ્લેટ વગરની આવતી કારમાં દારૂ ભરીને આવી રહેલા ડભોઇના કાર ચાલકને પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી ૩.૯૬ લાખની દારૂની ૨૯૯ બોટલો કબજે કરી હતી. આખા મામલામાં મોબાઇલ નંબરના આધારે આશીષ જાશીને વોન્ટેડ જાહેર કરીને બંન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ફરિયાદ નોંધાઈ ત્યારે આશિષ જોશીએ ઝડપાયેલા આરોપીનો તથા પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર અપીલ કરતાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ થતી હતી. કોઈ નેતાના ઇશારે અમે દારૂ મંગાવ્યો હોવાની ખોટી એફઆઇઆર દાખલ કરાવી છે. અમારી લોકપ્રિયતા વધી છે. ખોટું ષડયંત્ર ઊભું કરીને અમને ફસાવવાનું જે કૃત્ય કરવામાં આવ્યું છે, જેના માટે અમારો તથા ઝડપાયેલા ડભોઇની વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરાવવો પડશે.