ભચાઉ તાલુકાના કુંજીસર નજીક આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શહીદ ભગતસિંહ સેના દ્વારા આયોજિત જનજાગૃતિ અભિયાનના બીજા દિવસે પણ મજૂરોનો વિરોધ યથાવત રહ્યો હતો. કચ્છમાં હાલ ૪૪ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી વચ્ચે પણ મજૂરો પોતાના હક્ક માટે કંપનીના દરવાજા બહાર ડટીને વિરોધ કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા મજૂરોની સૌથી મોટી માંગ ૮ કલાકની નિશ્ચિત નોકરી સમયની છે. મજૂરોનો આક્ષેપ છે કે તેમની પાસેથી નક્કી સમય કરતાં વધુ કામ લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીમાં પૂરતા પ્રમાણમાં સેફ્ટી સાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જાખમ ઉભું થઈ રહ્યું હોવાનું પણ મજૂરોએ જણાવ્યું હતું. મજૂરોએ કંપની મેનેજમેન્ટ પર પક્ષપાત અને અન્યાયના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે.
વિરોધ પ્રદર્શનમાં જાડાયેલા કામદારોનું કહેવું છે કે અગાઉ કોઈ યોગ્ય કારણ વગર નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવે. મજૂરોનું માનવું છે કે કંપનીનું વલણ કામદારો પ્રત્યે અન્યાયપૂર્ણ છે.વિરોધ સ્થળે “મજદૂર એકતા જિંદાબાદ”ના ગગનભેદી નારા સાથે મજૂરોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. શહીદ ભગતસિંહ સેનાના નેજા હેઠળ મજૂરોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
સંગઠને જનતાને પણ મજૂરોના સમર્થનમાં જાડાવા અપીલ કરી છે. સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ કુંજીસર વિસ્તાર આ મજૂર આંદોલનને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે.









































