ગુજરાતના હાઈવે પર ફરી એકવાર રકત રંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા અને લીંબડી વચ્ચે મોડી રાત્રે બે બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, લીંબડી નજીક સાંગાણી ગામ પાસે ડામર ભરેલા એક ટેન્કરનું ટાયર ફાટતાં તે રોડની સાઈડમાં ઊભું હતું. આ દરમિયાન અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી મધુરમ ટ્રાવેલ્સની બસ પૂરપાટ ઝડપે આ ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરમાંથી ગરમ ડામર લીક થવા લાગ્યો હતો અને જાતજાતામાં બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
અકસ્માત બાદ ટેન્કરમાંથી ડામર રસ્તા પર અને બસ પર રેલાયો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ જ્વાળાઓએ તેમને લપેટમાં લઈ લીધા હતા. ઘણા મુસાફરોના શરીર પર ગરમ ડામર ચોંટી જવાથી તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક ઈજાગ્રસ્ત મુસાફરે ધ્રૂજતી આ આઘાતજનક વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, “અકસ્માત થતાની સાથે જ બસમાં આગ લાગી હતી. હું ડ્રાઈવર સીટ પાસે હતો એટલે કૂદીને જીવ બચાવી શક્્યો, પરંતુ અન્ય મુસાફરો બહાર નીકળી શક્્યા નહોતા. મારા શરીરે પણ ગરમ ડામર ચોંટ્યો છે.”
ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં અત્યાર સુધીમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે ૧૦થી વધુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને રિફર કરાયા છે. અન્ય ઈજાગ્રસ્તોને ચોટીલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોના સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે, જાકે હજુ સુધી ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.
મહત્વનું છે કે, સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતાં રોડની સાઈડમાં ઉભું હતું. તે દરમિયાન મધુરમ ટ્રાવેલ્સ અમદાવાદથી જૂનાગઢ આવતી હતી અને ટેન્કર પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રાવલ્સમાં આગ લાગી હતી અને ટેન્કરમાંથી ડામર લીક થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર લીમડી નજીક અકસ્માત થતાં બસમાં આગ લાગી હતી. આગ લાગતાં તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદીને બહાર નીકળ્યો, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્્યા. હાલ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.. અકસ્માતમાં અનેક લોકોનાં શરીરે ડામર ચોંટી જતાં દાઝી ગયા હોવાની પણ માહિતી સામે આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે.










































