જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા એક કર્મચારી પર રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને ચેક ટેમ્પરિંગ કરીને છેતરપિંડી આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની અછત હોવાને કારણે અનેક મહત્વપૂર્ણ નાણાકીય જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવામાં આવી હતી. આ દરમિયાન શોભીત ગર્ગ નામના કર્મચારીને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય વ્યવહારો અને બેંક રેકોર્ડ સંભાળવાની જવાબદારી સોંપાઈ હતી.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેંક મેનેજરે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડેન્ટલ કોલેજના ખાતામાંથી લાખો રૂપિયા શોભીત ગર્ગના વ્યક્તિગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા સમજતા હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાના સ્ટેટમેન્ટની ચકાસણી કરતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ મહિનામાં કુલ ૧૫ ચેક મારફતે રૂ. ૧.૩૬ કરોડથી વધુની રકમ આરોપીના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે આરોપીએ અલગ-અલગ તારીખે લાખો રૂપિયાની રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી. ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિનામાં મોટી રકમોના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે સરકારી ગ્રાન્ટ માટે આપવામાં આવેલા ચેકમાં છેડછાડ કરીને ચેકની મૂળ રકમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
ડેન્ટલ કોલેજ હોસ્પિટલના ડીન ડો. નયના પટેલે જણાવ્યું હતું કે, દર્દીઓની સુવિધા માટે કાર્યરત રોગી કલ્યાણ સમિતિના રેકોર્ડ અને નાણાકીય કામગીરીની જવાબદારી શોભીત ગર્ગ પાસે હતી. છેલ્લા કેટલાક મહિનામાં તેમની જાણ બહાર ચેકમાં છેડછાડ કરીને ગેરરીતિપૂર્વક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે ડેન્ટલ કોલેજના ટ્યુટર વર્ગ-૨ ડો. સંજય ઉમરાણીયાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને દસ્તાવેજામાં ચેડાં સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિ સંડોવાયેલો હતો કે પછી અન્ય કોઈ આંતરિક કર્મચારી અથવા બહારના લોકોની પણ ભૂમિકા હતી. તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.