એક નિષ્ઠુર જનેતાએ પોતાના જ નવજાતને કૂવામાં નાખી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્ન પહેલાં જ માતા બની જતાં સમાજમાં આબરૂ ન જાય તે માટે યુવતીએ પોતાની માતાની વાત માની માસૂમને લાલ કપડામાં વીંટી કૂવામાં નાખી દીધું હતું. જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પહાડપુર રોડ પર, એક કૂવામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમાજમાં આબરૂ જવાના ડરે ખુદ સગા હાથે જ પોતાના પાપને છુપાવવા નવજાતને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હતું.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડપુર રોડ પર આવેલ માઝુમ જળ પાસેના એક કૂવામાં ગત દિવસોમાં એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે મ્દ્ગજીની કલમ ૯૪ મુજબ આ મામલે ગુનો નોંધીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે પહાડપુર રોડ પર જ રહેતા આમીનાબેન અયુબભાઈ સિંધીના ઘરે મહિલા પોલીસ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન આમીનાબેન ગભરાઈ ગયા હતા અને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જ્યારે પોલીસે ઘરમાં તપાસ કરી તો તેમની દીકરી નાસીમબેન મળી આવી હતી. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા નાસીમબેને કબૂલાત કરી કે, તેના લગ્ન વડા ગામના અલ્તાફભાઈ ગુલામભાઈ સિંધી સાથે નક્કી થયા હતા. લગ્ન પહેલા જ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાતા તે ગર્ભવતી બની ગઈ હતી.

ગર્ભ રહી ગયાની વાતની નાસીમને ખુદને પણ ખબર નહોતી, પરંતુ અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેણે પોતાની માતા આમીનાબેનને વાત કરી હતી. માતાએ દીકરી મા બનવાની હોવાથી રાતના સમયે ઘરમાં જ દીકરીની પ્રસુતિ કરાવી હતી. લગ્ન પહેલા દીકરી માતા બની જતા સમાજમાં આબરૂ જશે તેવા ડરથી માતા-દીકરી બંનેએ નવજાતને મારી નાખવાનું નક્કી કર્યું. જેથી નવજાત શિશુને લાલ કપડામાં લપેટીને ઘરની બાજુમાં જ આવેલા કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. પોલીસે આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરીને કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.