અમરેલી-ચલાલા હાઇવે પર દેવરાજીયા ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પહેલા એક અજાણી ફોરવ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી, અને ત્યારબાદ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરી રહેલા સ્થાનિકો પર અન્ય એક પૂરઝડપે આવતી કાર ચડી ગઈ હતી. આ બેવડા અકસ્માતમાં બાઇક સવાર સહિત મદદ કરનારા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કેતનભાઇ મગનભાઇ ગોહીલ (ઉ.વ.૨૫)એ બે ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિ પોતાના બાઈક પર અન્ય એક વ્યક્તિને પાછળ બેસાડી ડબલ સવારીમાં અમરેલીથી પોતાના ગામ દેવપાણીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલી-ચલાલા રોડ પર દેવરાજીયા ગામથી એકાદ કિલોમીટર દૂર ચલાલા તરફ એક વાડી પાસે પહોંચતા, સામેથી આવતા એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે કોઈ વાહનને ઓવરટેક કરવા જતા બાઇક સાથે જોરદાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અને પાછળ બેસેલ સવારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી અજાણ્યો કાર ચાલક વાહન સહિત નાસી છૂટ્યો હતો. આ લોકો જ્યારે ઇજાગ્રસ્તોને સંભાળી રહ્યા હતા, ત્યારે જ ચલાલા તરફથી આવતી એક કારના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રોડ પર ઊભેલા આ મદદગારો પર ચડાવી દીધી હતી. જેના કારણે તેમને અને સાહેદોને પણ શરીરે નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.