પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરફેર સામે પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છઅંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલ પર દરોડો પાડી પોલીસે મોટી માત્રામાં માદક પદાર્થ પોષડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને પકડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કચ્છના સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના નેટવર્કને નાબૂદ કરવા વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. તે જ અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાની હેઠળની ટીમ સતત વોચ રાખી રહી હતી. દરમિયાન એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા નીલકંઠ પા‹કગ વિસ્તારમાં “જયશ્રી બાબા રામદેવ હોટલ” નામની હોટલમાં ગેરકાયદેસર રીતે પોષડોડાનો જથ્થો સંગ્રહ કરીને તેનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
રેડ દરમિયાન હોટલ સંચાલકો મનોહરરામ જગમાલરામ રાહડ (બિશ્નોઈ) અને ચુનારામ ભગારામ ખોત (જાટ) હાજર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હોટલની સઘન તપાસ હાથ ધરતા અંદરથી આશરે ૧૯.૫ કિલોગ્રામ જેટલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪.૦૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે અને તેઓ ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં આવેલી હોટલમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પોષડોડાના જથ્થાનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે આ કેસમાં દેવારામ ઉર્ફે દેવો ગુમનારામ તથા અનિલ મેઘવાળ નામના અન્ય બે શખ્સોને પણ આરોપી તરીકે જાહેર કરીને તેમની શોધખોળ તેજ કરી છે.
આ સમગ્ર મામલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ સહિત એલસીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.