શહેરના ગિરિરાજ વિસ્તારમાં ચિત્રકૂટ સોસાયટીમાં થોડા દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક મહિલાના પુત્રના મિત્રએ જ પૈસાની લેતીદેતી બાબતે હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. ૫૯ વર્ષીય સુનિતા રાયજા નામની મહિલાની ગત ૧૨ મે ૨૦૨૬ મંગળવારના રોજ સાંજના સમયે જુનાગઢ શહેરના ગીરીરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રહેણાંક મકાનની અંદરથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બનાવમાં સંડોવાયેલ મૃતકના પુત્ર અને ફરિયાદી દિલીપ રાયજાના મિત્ર ૩૯ વર્ષીય સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેમજ આરોપી જુના પાડોશી હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. ત્યારે સ્થળની વિઝીટ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોવાની શંકા ઉદભવી હતી.
કારણકે, મૃતક સુનિતા દ્વારા બનાવ સમયે કોઈ પણ જાતનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તે પ્રકારના પુરાવા નહોતા મળી આવ્યા. બનાવ સંદર્ભે જુનાગઢ શહેરના બી ડીવીઝન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બનાવ સ્થળની આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ ડ્રોનની મદદથી બનાવવાળા વિસ્તારનો એરિયલ વ્યુમેપ તૈયાર કરી બનાવ વાળા સ્થળ સુધી આવવા તેમજ જવાના કયા કયા રસ્તાઓ છે તે બાબતનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ બનાવ સમયે મૃતકના ઘરની આસપાસ કયા વ્યક્તિઓની અવરજવર હતી તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીઆઇ કૃણાલ પટેલ દ્વારા ફરિયાદી દિલીપના મિત્ર સુરેશ કાનાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ શરૂઆતમાં સુરેશ બનાવ સંદર્ભે કંઈ જાણતો જ ન હોય તે પ્રકારનો ઢોંગ પોલીસ સમક્ષ કર્યો હતો. પરંતુ બાદમાં યુક્તિ પ્રયુક્તિથી સુરેશની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેમજ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, તે અગાઉ કાપડ વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જાકે ધંધામાં ખોટ જતા તેની આર્થિક સ્થિતિ નબળી બની હતી. તેમજ બાદમાં થોડાક મહિના પૂર્વે તે શેર બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં અંદાજિત પોણા ચાર લાખ જેટલી રકમ હારી ચૂક્યો હતો. જેના કારણે તેને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. દરમિયાન ઉછીના પૈસા લેવા માટે તે ૧૨ તારીખના રોજ સુનિતા પાસે ગયો હતો. દરમિયાન સુનિતા દ્વારા દાગીના સહિતની કોઈ કીમતી વસ્તુ હોય તો તેમને સિક્યુરિટી પેટે રાખીને પૈસા આપવાનું જણાવ્યું હતું. જાકે, સુરેશ પાસે સિક્યુરિટી પેટે રાખવા માટે કંઈ ન હોવાથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. દરમિયાન સુરેશ દ્વારા છરી વડે સુનિતા બહેનની હત્યા કરી દેવામાં આવી હતી.
સુનીતા બહેનની હત્યા કર્યા બાદ સુરેશ સુનીતાના પરિવારજનોની આસપાસ જ રહ્યો હતો. સુનીતાની અંતિમવિધિનો સામાન લેવા પણ સુરેશ જ ગયો હતો. અંતિમવિધિ બાદની તમામ વિધિમાં પણ સુરેશ હાજર રહ્યો હતો. દરમિયાન પોલીસ શું કરી રહી છે? પોલીસની કયા પ્રકારની ગતિવિધિ છે તે બાબતે પણ તે ધ્યાન રાખતો હતો. બનાવના દિવસે સાંજના છ વાગ્યા પૂર્વે સુનીતા અને તેના દીકરા દિલીપે સાંજે સાથે ચા પીધી હતી. તેમજ તે દિવસે કામવાળી ઘરનું કામકાજ કરીને સાંજના ચાર વાગ્યા આસપાસ જતી રહી હતી. આમ, જા મા દીકરાએ બંને સાથે જ ચા પીધી હોય તો કિચનમાં ચા પીધેલી બે રકાબી હોવી જાઈએ. તેની જગ્યાએ ત્રણ રકાબી પોલીસને કિચનમાં જાવા મળી હતી. જેથી પોલીસને શક ગયો હતો કે, નક્કી ઘરમાં ત્રીજી વ્યક્તિએ પણ ચા પીધી હોઈ શકે છે. તેમજ ચા પીનાર વ્યક્તિ નજીકનું અને ઓળખીતું જ હોઈ શકે છે.
પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. તે સીસીટીવી ફૂટેજમાં સુરેશની એÂક્ટવિટી ઘરની આસપાસ બનાવ સમયે જાવા મળી હતી. આમ, સુરેશ પોલીસનો સસ્પેક્ટ બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સુનીતા અગાઉ નાનાપાયે વીસીનું કામકાજ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ બનાવ સંદર્ભે વાપરવામાં આવેલ હથિયાર કબજે કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ જુનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં જ મહિલાની હત્યા કરનાર મૃતક મહિલાના પુત્રના મિત્રની ધરપકડ કરી છે ત્યારે હજુ આ કેસની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તે દિશાએ તપાસ હાથ ધરી છે.






































