ભાવનગરમાં સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલો એક પ્રેમસંબંધ હવે પોલીસ ફરિયાદ અને કાનૂની કાર્યવાહી સુધી પહોંચી ગયો છે. પ્રાથમિક ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ યુવક અને યુવતી વચ્ચે નજીકતા વધતી ગઈ હતી. બંને વચ્ચે લાંબા સમયથી સંપર્ક અને સંબંધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સંબંધમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવકે લગ્ન કરવાની ના પાડી હોવાનું સામે આવ્યું.
અહેવાલો મુજબ આ ઘટનાને પગલે યુવતી કાળિયાબીડ વિસ્તારમાં આવેલા યુવકના ઘરે પહોંચી હતી. યુવતીના આક્ષેપ મુજબ ત્યાં તેના સાથે જ્ઞાતિ આધારિત અપમાન કરવામાં આવ્યું હતું અને મારપીટ પણ કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ યુવક સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.બીજી તરફ યુવકના પરિવારે પણ યુવતી અને તેના પરિવાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. યુવકના પરિવારના આક્ષેપ અનુસાર બે યુવતીઓએ ઘરમાં ઘૂસી બબાલ કરી હતી, વૃદ્ધ મહિલાને ધક્કો મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તમામ આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે અને બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે પીઆઇ ડી.પી. ઉનડકટની દેખરેખ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.