(૧)ઘરના જ ઘાતકી થાય તો શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
એને એવા થવાની ના પાડો.
(૨)બગાસું ખાઈ શકાતું નથી છતાં બગાસું ખાધું એવું કેમ લોકો બોલે છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
મોં પાસેથી પસાર થાય એ બધું ટેકનિકલી ખાધું જ કહેવાય. દા.ત. છીંક, ઉધરસ, ખોંખારો, ઓડકાર, બગાસું વગેરે.
(૩)એવો કયો પ્રશ્ન હોયછે કે જેનો જવાબ શક્ય ના હોય?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
આ.
(૪)સાહેબ..! ચટપટુ ક્યારે ખવાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જીવનમાં કંઈક અટપટું બને ત્યારે.
(૫) સાહેબ..! ગીરનાર ઉપરથી તમારું ઘર દેખાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
હા, તમે અવળી બાજુએ ફાંફા મારતા હતા એટલે ન દેખાયું હોય.
(૬)સાહેબ..! શું કાગડો બોલે એટલે મહેમાન આવે જ?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
હા, પણ એમાં કાગડાનો કાઈ વાંક ન કહેવાય એટલે એને ઉડાડી ન મૂકતા.
(૭)ચૂંટણીમાં સાંભા હારી જાય એ તો સમજ્યા; પણ ખુદ ‘ગબ્બર’ કેમ હારી જતા હશે ?
કનુભાઈ પરમાર (દામનગર)
સાંભાને જીતાડવાના ચક્કરમાં.
(૮) સળગતો સવાલ કેવો હોય?
દર્શન પટેલ (વડોદરા)
આવો.
(૯)તમારામાં આટલી બધી ટેલેન્ટ આવી ક્યાંથી?
જગદીશભાઈ પટેલ (અમદાવાદ)
તમારી ખોવાઈ ગઈ લાગે છે!
(૧૦)તું હૈ તો દિલ ધડકતા હૈં તમારે ક્યારેય આવું થાય છે?
જય દવે (ભાવનગર)
શેરીમાં કૂતરું બેઠું હોય ત્યારે મને આવું જ થયા કરે છે.
(૧૧)તમને અમે સવાલ પૂછીએ ત્યારે ક્યારેક તો તમે અમને સામો સવાલ કરો છો. એવું કેમ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ક્યારે સામો સવાલ પૂછ્યો?
(૧૨)મને બોર બહુ ભાવે છે પણ ઠળિયો ગળી જવાની બીક લાગે છે તો શું કરવું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ગળામાં જાળી ફિટ કરાવી દો.
(૧૩) મારાં ઘરમાં બધાને અલગ અલગ શાક ખાવા જોઈએ છે. રોજ કયું શાક બનાવવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
તમારા ઘરમાં ઈ. વી. એમ. વસાવી લો. જેને વધારે મત મળે એ શાક બનાવો.
(૧૪)ધીરજથી જીવન મહેકે તે સાચું છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ધીરજ તો એમ કહેતો હતો કે જીવનને હું ઓળખતો પણ નથી.
(૧૫)માણસ કેમ દોડ્‌યે રાખે છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
બધા પેલું ગીત સાંભળી મોટા થયા છે. રમેશભાઈ દોડો..મુકેશભાઈ દોડો..ઇલાબેન દોડો.. શીલાબેન દોડો! નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..