સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઈન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કોંઢ સહિત આસપાસના પાંચથી વધુ ગામોના ખેડૂતો એકઠા થઈ પાવરગ્રીડ કંપનીની કામગીરી બંધ કરાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા નક્કી કરાયેલા કોરિડોરની અંદર રહી કામગીરી કરવામાં આવતી નથી અને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને ખેતીને અસર થવા છતાં પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ઉપરાંત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં વધુ રોષ જાવા મળ્યો હતો.સ્થળ પર ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો ગરમાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા ડીવાયએસપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.
ખેડૂતોની મુખ્ય માંગ છે કે પાવરગ્રીડ કંપની કોરિડોરની મર્યાદામાં રહીને જ કામગીરી કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય તથા પૂરતું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતો ચેતવણી આપી છે કે તેમની માંગો નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હાલ સમગ્ર મામલે તંગદિલીનો માહોલ સર્જાયો છે અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.







































