મહેસાણા શહેરના ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ પ્રતિનિધિઓના અભિવાદન સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરો અને નેતાઓને કડક પરંતુ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે સંગઠનની જૂની સંઘર્ષમય સફરને યાદ કરી કાર્યકરોને જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હતી.
સંમેલનમાં ભાષણ આપતા નીતિન પટેલએ જણાવ્યું કે માત્ર હોદ્દા અથવા દેખાવથી લોકોનો વિશ્વાસ જીતાઈ શકતો નથી. “ખિસ્સામાં હાથ નાખીને ફરતા નેતાઓએ લોકો વચ્ચે જઈ કામ કરવું જાઈએ,” એવી ટકોર કરતા તેમણે કાર્યકરોને જનસંપર્ક મજબૂત બનાવવા અપીલ કરી હતી.
નીતિન પટેલે ભાજપના પ્રારંભિક દિવસોની યાદ તાજી કરતા કહ્યું કે પક્ષ આજે જે સ્થાને પહોંચ્યો છે તે પાછળ વર્ષોનો સંઘર્ષ, કાર્યકરોની મહેનત અને લોકોનો વિશ્વાસ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે પ્રજાનો વિશ્વાસ માત્ર વિકાસના કામો અને સતત લોકો વચ્ચે રહેવા દ્વારા જ જીતાઈ શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સંગઠનાત્મક કામગીરીને ધ્યાનમાં રાખીને આપેલા તેમના સંદેશને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






































