જૂનાગઢ  શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની ધીમી ગતિ અને બેદરકારીને લઇને રાજકારણ ગરમાયું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાઃએ મ્યુનિસિપલ કમિશનરને કડક શબ્દોમાં પત્ર લખીને રસ્તા અને અન્ય વિકાસ કામોમાં થઈ રહેલી ગેરરીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને મહિના સુધી કામ અધૂરું રાખવામાં આવે છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી માહોલ વચ્ચે ખોદકામ બાદ રસ્તાઓની હાલત વધુ ખરાબ બનતા વાહનચાલકો અને રહેવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલીક જગ્યાએ યોગ્ય નકશા, પ્લાન અને એસ્ટીમેટ વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો હોવાનો આરોપ ધારાસભ્યે લગાવ્યો છે. સંજય કોરડીયાએ એજન્સી અને જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કરોડો રૂપિયાના વિકાસ કામોમાં ગુણવત્તા અને સમયમર્યાદાનું પાલન ન થવું ગંભીર બાબત છે.આ સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા લખાયેલો પત્ર હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને શહેરમાં વિકાસ કામોની કામગીરીને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક નાગરિકોમાં પણ તંત્ર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.