ત્રિપુરા પોલીસે એક સુરક્ષા ગાર્ડ અને આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરી છે. તેઓ ૧૫ થી વધુ લોકોની પૂછપરછ કરી રહ્યા છે. રાજ્યના ધલાઈ જિલ્લામાં એક મહિલાના ઘરે મોટી માત્રામાં રોકડા બતાવતો વીડિયો સામે આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ આંતરરાજ્ય ગેંગની શંકા છે. ઉચ્ચ કક્ષાના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આશરે ૫ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે અગરતલાની બહાર આવેલા અભયનગરના રહેવાસી અજિત દેબબર્મા (૪૮) અને તેમની પત્ની મેનકા દેબબર્મા (૪૫) ની ધરપકડ કરી છે. અજિત દેબબર્મા ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સમાં રાઇફલમેન છે, જ્યારે મેનકા દેબબર્મા આરોગ્ય વિભાગના કર્મચારી છે. અધિકારીએ કહ્યું, “અમે પાંચ લોકોની પણ અટકાયત કરી છે અને વાયરલ વીડિયો કેસ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે લગભગ ૧૦ અન્ય લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં જણાવ્યું કે ધલાઈ અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના વિવિધ ભાગોમાં સઘન શોધખોળ અને તપાસ ચાલી રહી છે.
મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોયા બાદ, તેમણે સંબંધિત અધિકારીઓને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. “અમે કોઈપણ ગુનાના આરોપીને છુપાવી શકતા નથી કે રક્ષણ પણ આપતા નથી. કાયદો તેનું કામ કરશે.” ગયા અઠવાડિયે, ધલાઈ જિલ્લાના સાલેમા પોલીસ સ્ટેશન હેઠળના ભાટખોરી વિસ્તારમાં એક ઘરમાં કરોડો રૂપિયાની રોકડના બંડલ દેખાતા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ રાજ્યભરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
જાકે, પોલીસને હજુ સુધી મહિલાના ઘરેથી કોઈ રોકડ રકમ મળી નથી, જે પોલીસ કોન્સ્ટેબલની પત્ની છે. પોલીસ મહાનિર્દેશક અનુરાગે આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવા અને સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ વડાની સૂચના પર કાર્ય કરતા, પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) મંચક ઇપ્પર, નાયબ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તરી રેન્જ) રતિ રંજન દેબનાથ, ધલાઈ જિલ્લાના પોલીસ અધિક્ષક ઋષિકેશ જયસિંહ દેસાઈ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવાર મોડી રાત સુધીમાં આ કેસના સંદર્ભમાં આશરે ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી અથવા પૂછપરછ કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા લોકોમાં કેટલીક મહિલાઓ, પોલીસકર્મીઓ, ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના એક કર્મચારીનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં તે બધાની અંબાસા અને અગરતલા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ પૂર્ણ થયા પછી, પોલીસ અધિકારીઓ તેમની ઔપચારિક ધરપકડનો નિર્ણય લેશે. પોલીસને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી આંતરરાજ્ય ગેંગની શંકા છે. ઉચ્ચ કક્ષાના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આશરે ૫ કરોડ રોકડા મળી આવ્યા હતા.






































