દીવ નાગવા રોડ પર ૧૭મી મે, રવિવારના રોજ મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં સુરત અને મધ્યપ્રદેશના ગ્વાલિયરના પ્રવાસીની બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ગ્વાલિયરના પિતા અને પુત્રનું મોત થયું છે. આ સાથે પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી છે. આ અંગે હાલ દીવ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી ૫૦ વર્ષના પૃથ્વી હુનદરાજ વાધવાનીના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક એક નવી ફેક્ટરી શરૂ કરી છે. આ શુભ પ્રસંગે હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. ગતરોજ બપોરે ફેક્ટરીના પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને ભાઈ પોતાના પરિવાર સાથે દીવ ફરવા માટે નીકળ્યા હતા. દીવ ફર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જવાના હતા. આ દરમિયાન મોડી રાતે તેઓ નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ધસી આવેલી સુરત પાસિંગની કારે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. કારમાં સવાર ૧૬ વર્ષનો પુત્ર અનિકેત પૃથ્વી વાધવાની અને તેના પિતા પૃથ્વી હુનદરાજ વાધવાનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે નીતુબેન વાધવાની અને ભત્રીજા ઓમેશને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત કરનાર કારનો નંબર જીજે ૧૬ સીએચ ૩૫૨૮ છે.આરટીઓ રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા ‘૧૦૨ ક્રિષ્ના રો-હાઉસ’ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે.