અમરેલી શહેરમાં આવેલ એન્જલ –૪ સોસાયટીના કરોડો રૂપિયાની ઠગાઈના ચકચારી કેસમાં જમીન માલિકનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની વિગત મુજબ ફરીયાદી ભાવીનભાઈ જીતેન્દ્રભાઈ સોજીત્રા અને આરોપી કેશુભાઈ માવજીભાઈ જોગાણી વચ્ચે જમીન ડેવલપ કરવાનો બીઝનેશ નક્કી થયો હતો. જેમાં ચક્કરગઢ રોડ ઉપર આવેલ સ.નં. ૩૩૨ વાળી જમીન બાબતે નાણાકીય વ્યવહાર થયો હતો. ફરીયાદીને રૂ. ૨,૫૦,૦૦,૦૦૦/- ની રકમ બાબતે શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ આરોપીએ સિક્યોરિટી પેટે આપેલ રજીસ્ટર્ડ બાનાખતવાળી જમીન અગાઉ પોતાના ભાઈ રવજીભાઈને રજીસ્ટર્ડ દસ્તાવેજથી આપી દીધી હતી. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુન્હો નોંધી ચાર્જશીટ રજુ કર્યું હતું. કોર્ટમાં કેસ ચાલતા સરકાર પક્ષે ઘણા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા પરંતુ ફરીયાદપક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરી શક્યો ન હતો. પરિણામે અમરેલીના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ.આર. વાકલીયાએ આરોપી કેશુભાઈ જોગાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદી તથા હરનીલ ત્રિવેદી રોકાયા હતા અને તેમની ધારદાર દલીલોને કોર્ટે ધ્યાને લીધી હતી.







































