બાબરા તાલુકાના નવાણીયા ગામે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે તળાવ રિસ્ટોરેશન કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે સ્થાનિક ખેડૂતો માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓ વધુ સુદ્રઢ બને અને જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી રૂ. ૫૫ લાખના ખર્ચે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આ તળાવના રિસ્ટોરેશનથી આજુબાજુના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના કારણે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે. વધુમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિસ્તારમાં જળસ્તર ઊંચા આવશે અને ભૂગર્ભ જળની સ્થિતિમાં પણ મોટો સુધારો થશે.






































