ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ટકી રહે અને આગામી જૂન-૨૦૨૬ની પૂરક પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉમદા આશયથી ખાસ ઉપચારાત્મક શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ શૈક્ષણિક અભિયાન આગામી તારીખ ૧૮/૦૫/૨૦૨૬ થી તારીખ ૦૬/૦૬/૨૦૨૬ સુધી દરરોજ સવારે ૦૯ઃ૦૦ થી ૧૧ઃ૦૦ કલાક દરમિયાન નિયત કેન્દ્રો પર ચલાવવામાં આવશે.વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ કેન્દ્રો નક્કી કરાયા છે, જેમાં અમરેલી ખાતે એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ (કન્યાઓ માટે) અને જ્ઞાનદીપ વિદ્યામંદિર (કુમારો માટે) શિક્ષણ આપશે. આ ઉપરાંત લાઠીની કલાપી વિનય મંદિર, લીલીયાની અમૃતબા હાઈસ્કૂલ, બાબરાની સરકારી કમળશી હાઈસ્કૂલ, ધારીની જી. એન. દામાણી હાઈસ્કૂલ તેમજ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં વર્ગો ચાલશે. કુંકાવાવની સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ, સાવરકુંડલાની એસ. વી. દોશી હાઈસ્કૂલ, ખાંભાની જે. એન. મહેતા હાઈસ્કૂલ, રાજુલાની ટી. જે. બી. હાઈસ્કૂલ અને જાફરાબાદની મોડેલ સ્કૂલ ખાતે પણ આ વર્ગોનું આયોજન હાથ ધરાયું છે.






































