ધોરાજી અને ઉપલેટા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી સામે સ્થાનિક તંત્રએ આખરે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ ધોરાજીના ફરેણી ગામ નજીક આવેલા મામાદેવ મંદિર પાસેના તળાવમાંથી કોઈ પણ પ્રકારના રોયલ્ટી પાસ, જરૂરી દસ્તાવેજો કે સત્તાવાર આધાર-પુરાવા વિના ગેરકાયદેસર રીતે મોરમ અને માટીનું ખનન થતું હોવાનું મામલતદાર અને તેમની કચેરીના સ્ટાફના પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવ્યું હતું. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનાસ્થળેથી ખનીજ ચોરીમાં વપરાતા જેસીબી મશીન અને ટ્રેક્ટર સહિત આશરે ૧૯,૧૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રંગેહાથ ઝડપી પાડીને તેને સીઝ કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે ધોરાજી તાલુકા પોલીસને સોંપ્યો હતો.આ વિસ્તારમાં ભાદર નદીમાંથી રેતી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી માટી અને મોરમની ચોરી થવી એ કોઈ નવી વાત નથી. અગાઉના અધિકારીઓએ કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડી પાડી હતી, પરંતુ તેમની બદલી પછી આ પ્રવૃત્તિઓ ફરી બેફામ બની હતી. લાંબા સમયના વિરામ બાદ નવનિયુક્ત મામલતદારે આ મોટી કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરીની સરાહના થઈ રહી છે.








































