રાજુલા તાલુકાના વિસળીયા ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મહુવા તરફથી પૂરઝડપે આવી રહેલી બોલેરો જીપના ચાલકે આગળ જઈ રહેલા મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવાર માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ અંગે હનુભાઇ વિરાભાઇ બાંભણીયા (ઉ.વ.૨૮)એ અજાણ્યા બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ અને તેમના માતા ગંગાબેન મોટરસાયકલ પર સવાર થઈને મહુવાથી વિસળીયા ગામે આવી રહ્યા હતા. જ્યારે તેઓ વિસળીયા ગામે ગીરનારી બાપુની મઢી પાસે પહોંચ્યા અને ગામમાં જવાના રસ્તા તરફ વળી રહ્યા હતા, ત્યારે પાછળથી આવતી એક બોલેરોના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી.આ અકસ્માતમાં હનુભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતા ટાંકા આવ્યા છે તથા શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ થઈ છે. જ્યારે તેમના માતાને કપાળના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે, જમણી આંખની નીચેનું હાડકું તથા પીઠની પાંસળીઓ તૂટી ગઈ છે અને કમરના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.