અમરેલી શહેરમાંથી એક ચોંકાવનારો કૌટુંબિક વિવાદ અને હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અન્ય કોઈ યુવતી સાથે ફોન પર વાત કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની પર ઘાતક હુમલો કરી દીધો હતો. પતિએ ગાળો ભાંડીને માથાના ભાગે લાકડા અથવા લોખંડના દસ્તા વડે ફટકો મારતાં મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે ટીનાબેન લલીતભાઈ મકવાણાએ પતિ લલીતભાઈ રવજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પતિ અન્ય એક યુવતી સાથે ફોન પર લાંબી વાતો કરી રહ્યો હતો. આ બાબતની જાણ થતાં પત્નીએ આરોપી પતિને ટોક્યો હતો અને આ અંગે પૂછપરછ કરી હતી. અન્ય યુવતી સાથે વાત કરવાની ના પાડતાં જ પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પતિએ પત્નીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઘરમાં પડેલો દસ્તો ઉપાડીને તેના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ હુમલાને કારણે મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. હુમલો કર્યા બાદ પણ પતિ શાંત થયો ન હતો અને તેણે ભવિષ્યમાં પત્નીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.