સાવરકુંડલા અને ખાંભા પંથકમાં આજે મંગળવારે સવારે ૧૧ઃ૪૩ વાગ્યે ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની અસર ગીરકાંઠાના મીતિયાળા, સાકરપરા, ખાંભા, ભાડ, વાંકિયા અને ઇંગોરાળા સહિતના અનેક ગામોમાં અનુભવાઈ હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા કેટલાક સ્થળોએ લોકો થોડા સમય માટે ઘર અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી ગીરકાંઠાના વિસ્તારમાં વારંવાર હળવા ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. આજે આવેલા આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. જોકે, સતત અનુભવાતા ભૂકંપના આંચકાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપ બાદ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓછી તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મોટા નુકસાનની શક્યતા રહેતી નથી, છતાં સાવચેતી રાખવી જરૂરી છે.








































