અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદાનું કડક પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ કડક મૂડમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ મેગા ડ્રાઈવ (ઝુંબેશ) શરૂ કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે.
ટ્રાફિક પોલીસની આ ખાસ ડ્રાઈવ અંતર્ગત “એ” ડિવિઝન ટ્રાફિક પોલીસે રસ્તા પર કાયદેસરની કાર્યવાહી તેજ કરી હતી. ચેકિંગ દરમિયાન રસ્તા પર નંબર પ્લેટ વગર, નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાવીને અથવા કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવીને વટથી ફરતા ચાલકોને પોલીસે આંતર્યા હતા. પોલીસે કાયદાનો ભંગ કરનારી આવી ૫ જેટલી લક્ઝરી ફોર વ્હીલર (ગાડીઓ) ને ઘટનાસ્થળે જ ડિટેઇન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ મેગા ડ્રાઈવ દરમિયાન માત્ર મોટી ગાડીઓ જ નહીં, પરંતુ હેલ્મેટ વગર અને ડ્રાઈવિંગ લાઈસન્સ વગર જાખમી રીતે ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકોને પણ પકડ્યા હતા. અલગ-અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે કુલ રૂપિયા ૩૬,૦૦૦ નો રોકડો દંડ ફટકારી વસૂલાત કરી છે. ટ્રાફિક પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને અકસ્માતો રોકવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે.







































