ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલી આર.કે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ ૧૬ મે ૨૦૨૬ ના રોજ રાત્રિના ૧૦ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમસંબંધમાં થયેલા વિવાદને પગલે યુવકે આકસ્મિક પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે.
મૃતકની ઓળખ આયુષ રૂસ્તમ દરાડે તરીકે થઈ છે. જે મૂળ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી હતો અને યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજીડેમ પોલીસના પીઆઇ હરેશ પટેલના જણાવ્યા અનુસાર આયુષ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના ‘સી’ બ્લોકના રૂમ નંબર ૭૧૫માં રહેતો હતો. શનિવારે રાત્રે આશરે ૧૦ વાગ્યાના સમયે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ રૂમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આયુષ લટકતી હાલતમાં દેખાયો હતો.
ઘટનાની જાણ થતા હોસ્ટેલ સંચાલકો અને સ્ટાફ તાત્કાલિક રૂમ સુધી પહોંચ્યા હતા અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાકે ૧૦૮ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને યુવકને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયુષનો તેની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને બે દિવસ પહેલાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને મનમાં રાખીને યુવકે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જા કે, પોલીસ દ્વારા આત્મહત્યા પાછળ ખરેખર પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે પછી અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પરિવારને જાણ કરવામાં આવતા માતા-પિતા પુણેથી રાજકોટ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં શોકની લાગણી ફેલાવી છે.







































