રાજકોટના મેંગો માર્કેટ ખોડલધામ સોસાયટીમાં ચોંકાવારો બનાવ બન્યો છે. પતિના અફેરથી ત્રસ્ત પત્નીએ જીવન ટૂંકાવી લીધું છે. ગત ૧૪ તારીખે નિકિતા પ્રજાપતિ નામની ૨૪ વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જેના બાદ મૃતકના ભાઈ કેતન પ્રજાપતિએ સાસુ-સસરા અને પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી. મૃતકની સાસુએ વહુને કહ્યું હતું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં બ્લ્યુ વેદા ટુ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પ્રજાપતિની દિકરી નિકીતા (ઉ.વ.૨૪) ના લગ્ન ગત ૨૧ નવેમ્બર ૨૦૨૫નાં રોજ રાજકોટ ખાતે રહેતા ભેરૂલાલ મગનલાલ પ્રજાપતિના દીકરા અજય સાથે સમાજનાં રિતરિવાજ અનુસાર થયા હતા. લગ્ન બાદ નિકિતા ગુમસુમ રહેતા તેણીની માતાએ તેણીને પ્રેમથી પૂછપરછ કરી હતી. જેના જવાબમાં નિકિતાએ કહ્યું હતું કે તેનો પતિ તેને બોલાવતો નથી અને અપમાનજનક વ્યવ્હાર કરે છે. જેથી પતિનાં પરસ્ત્રી સાથે અફેયર હોવાની શંકા છે.
આ દરમ્યાન એક દિવસ પતિ સુઈ રહ્યો હતો ત્યારે નિકિતાએ પતિનો મોબાઇલ ચેક કરતા મોબાઇલ ફોનમાં હીડન ફોલ્ડરમાં કોઈ યુવતી સાથે અજયના માંગ ભરતા તેમજ આપત્તિજનક ફોટા હતા. જેથી નિકિતાએ આ ફોટા બાબતે પતિ અજયને કહેતા તેણે નિર્લજ્જ થઈને ‘આ ક્રિશાનંદા છે અને તેણી સાથે મારે જૂનું અફેર છે.’ કહ્યુ હતું. આ બાદ પતિએ ગુસ્સે થઈને કહ્યું કે, હું તેને છોડી શકુ તેમ નથી. તારે રહેવું હોય તો રહે, નહિતર અહિથી ચાલી જા. આવું કહેતા જ આ બાબતે નિકિતાએ તેણીનાં સાસુ સસરાને જાણ કરી હતી. તેના સાસુ સસરાએ અજયને ઠપકો આપવાના બદલે નિકિતાને ‘તું લપ્પન છપ્પન ન કરીશ તું તારૂ કામ કર’ તેમ કહ્યું હતું. ત્યાર બાદ નિકિતાને તેણીનાં સાસુ સસરા તથા તેનો પતિ તથા તેનો જેઠ ઘર છોડી ચાલી જવા માટે દબાણ કરતા હતા.
આ દરમ્યાન નિકીતા પોતાનાં માતા પિતા અને ભાઈને પણ ફોન કરીને સતત એક જ વાત કહેતી કે આ લોકોનો ત્રાસ મારાથી સહન થતો નથી. નિકિતા સતત કહેતી રહેતી કે, મારા સાસુ મને આખો દિવસ નાની નાની વાતે મેણા ટોણા માર્યા કરે છે અને કહે છે કે મરતી નથી કે અહીથી જાતી પણ નથી. તથા મારા સસરા પણ મને મેણા ટોણા મારતા હતા. નિકીતાએ પોતાનાં પતિ અજયને કહ્યું કે, તમે સ્મોકીંગ છોડી દો અને ક્રિશાનંદાને છોડી દો, તો આપણે સુખી થાશું. ત્યારે અજયે ગુસ્સામા કહ્યું કે, મારે ક્રિશાને ઘરમાં લાવવી છે તું મરી જા તો મારો રસ્તો થાય તેમ કહી માર માર્યો હતો.
જ્યારે સાસુએ કહ્યું હતું કે આજના જમાનામાં આ અફેર અને સ્મોકીંગ એ બધુ નોર્મલ કહેવાય. એ વહેલો આવે કે મોડો આવે તે ઘરે તો આવે છે ને. તારે એનું મોઢુ સુંઘવાની શું જરૂર છે? તેમજ હવે તો તારા પગલા કાઢી ક્રિશાને ઘરમાં લાવીશ તેવી સાસુએ ધમકીઓ આપી હતી. પરસ્ત્રીનાં મોહમાં અંધ બનેલા પતિ અને સાસરીયાનાં ત્રાસથી ત્રસ્ત નિકિતા અંતે હિંમત હારી ગઈ અને તેણીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
આમ, સુખી સંસારનાં કોડ લઈ સાસરીમાં ગયેલી નિકિતા સાયન્સ ગ્રેજયુએટ હતી ,પરંતુ પરસ્ત્રીનાં મોહમાં અંધ બનેલા પતિનાં ત્રાસથી લગ્ન જીવનનાં માત્ર છ માસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા માતા પિતા અને ભાઈઓ ધ્રુસ્કે અને ધ્રુસ્કે રડી રહ્યા છે, અને ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલ તો આ બનાવ અંગે નિકિતાનાં ભાઈ કેતન પ્રજાપતિની ફરીયાદનાં આધારે રાજકોટ બી ડીવીઝન પોલીસે નિકિતાનાં પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







































