બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી ના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વિભાગની ટીમે શહેરની ત્રણ અલગ-અલગ ડેરી પેઢીઓ પર એકસાથે દરોડા પાડીને ૧૪૪૪ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. જપ્ત કરાયેલા ઘીની અંદાજિત કિંમત ૮ લાખ ૨૮ હજાર ૪૯૦ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ફૂડ વિભાગે કાર્યવાહી દરમિયાન ‘પરિવાર કાઉ ઘી’, ‘કવિરાજ કાઉ ઘી’ અને ‘શ્રેષ્ઠ કાઉ ઘી’ નામે વેચાતા ઘીના ડબ્બા કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ જથ્થાના સેમ્પલ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી ‘પરિવાર કાઉ ઘી’નો ૪૪૮ કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો, જેની કિંમત ૨.૬૮ લાખ રૂપિયા છે.
શ્રી બહુચર ડેરી પ્રોડક્ટમાંથી ‘કવિરાજ કાઉ ઘી’નો ૪૪૯ કિલો જથ્થો ઝડપાયો, જેની કિંમત ૨.૫૧ લાખ રૂપિયા છે.
જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી ‘શ્રેષ્ઠ કાઉ ઘી’નો ૫૪૭ કિલો જથ્થો જપ્ત થયો, જેની કિંમત ૩.૦૮ લાખ રૂપિયા છે.
આ રીતે કુલ ૧૪૪૪ કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન મહત્વની વાત એ પણ સામે આવી છે કે તાસવી એન્ટરપ્રાઇઝ સામે અગાઉ પણ અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૯, ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન પણ લાખો રૂપિયાના શંકાસ્પદ ઘીના જથ્થા સીઝ કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનના બાડમેરમાં પણ કંપનીનું સેમ્પલ ફેલ ગયું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, સીઝ કરેલો જથ્થો વેચી દેવાના મામલે વડગામ કોર્ટ દ્વારા ૩૫ હજાર રૂપિયાની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગે અગાઉ તેનું લાયસન્સ પણ રદ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની શંકા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાર્યવાહી કરીને મોટો પર્દાફાશ કર્યો છે. હવે એફએસએલ રિપોર્ટ બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.