કોડીનાર-ઉના હાઈવે પર દેવળી ગામ નજીક બોક્સાઈડ ભરેલો એક ટ્રક અકસ્માતે રોડની બાજુના ખેતરમાં ખાબક્યો હતો. ટ્રકનું ટાયર પંક્ચર થતાં ચાલકે તેને સાંધવા માટે યુ-ટર્ન લીધો હતો. ત્યારબાદ પંક્ચરની દુકાન પાસે વાહનને રિવર્સ લેતી વખતે ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ ભારેભરખમ ટ્રકનો પાછળનો ભાગ હાઈવેને અડીને આવેલા નીચાણવાળા ખેતરમાં ઉતરી ગયો હતો, જેના કારણે ટ્રકનો આગળનો ભાગ હવામાં અધ્ધર લટકી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માત બાદ અન્ય ટ્રકની મદદથી આ વાહનને બહાર કાઢવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રકમાં અંદાજે ૩૦ ટન જેટલો બોક્સાઈડનો ભારે જથ્થો ભરેલો હોવાથી તેને બહાર ખેંચવામાં ભારે મુશ્કેલી નડી રહી છે. આથી, હાલમાં સૌપ્રથમ ટ્રકમાં રહેલો બોક્સાઈડનો તમામ જથ્થો ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.