સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ગામ અને આસપાસના ખેતીલાયક વિસ્તારમાં વર્ષોથી પૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ ૪૦ વર્ષ જૂની મુશ્કેલીના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૧૪ કરોડના વિકાસકાર્યને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ગામની આસપાસ આવેલી હિપાવડલી, લીંડકીયા, ખારી અને સુખવો નદીઓમાં વર્ષોથી કાંપ ભરાઈ જવાને કારણે વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાતો હતો, જેના લીધે ચોમાસામાં ગામ બેટમાં ફેરવાઈ જતું હતું. હવે મંજૂર થયેલી યોજના અંતર્ગત આ નદીઓનું ડીપનિંગ અને સફાઈ કાર્ય હાથ ધરાશે. આ સાથે જ ગામ અને ખેતરોને સુરક્ષિત રાખવા માટે પ્રોટેક્શન બંડનું રીસ્ટોરેશન કરવામાં આવશે. આ કામગીરીથી ખેડૂતોને પાકના નુકસાનમાંથી મોટી રાહત મળશે. આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.