ઉનાના રાજપરા બંદરના દરિયા કિનારે વસતા હજારો માછીમારો અને સ્થાનિક નાગરિકોની છેલ્લા ૧૨ વર્ષ જૂની માગણી આખરે પૂર્ણ થઈ છે. રાજપરાથી ઓખા-દ્વારકા રૂટની નવી એસટી બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૪થી રાજપરા ગ્રામ પંચાયતના યુવા સરપંચ ભરતકુમાર વાઘજીભાઈ કામળિયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને એસટી નિગમ સમક્ષ આ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સક્રિય પ્રયાસોના પરિણામે આ રૂટને મંજૂરી મળતા, જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઈ ઉપાધ્યાયના હસ્તે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવાયું હતું. આ નવી સુવિધાથી માછીમારો અને યાત્રાળુઓ માટે દ્વારકા સુધીની મુસાફરી અત્યંત સરળ બનશે. આ પ્રસંગે સ્થાનિક તાલુકા પંચાયતના વિવિધ પ્રતિનિધિઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.